થઈ ગ્યું મિલન, પ્રચાર કરો, રાત જાય છે,
પડછાયા સાથે પ્યાર કરો, રાત જાય છે.
બેઠા છો એમ જાણે હશે ચાંદનીનું કામ,
સચ્ચાઈનો સ્વીકાર કરો, રાત જાય છે.
વાતો ઘણી થઇ ને ખુલાસા ઘણા થયા,
થોડો હવે તો પ્યાર કરો, રાત જાય છે.
પાગલ છો ચાંદનીને કહો છો કે “જા નહીં”
કંઈ એનો તો વિચાર કરો, રાત જાય છે.
લ્યો આવી પહોંચી જીવના આરામની મજલ,
આંખોના બંધ દ્વાર કરો, રાત જાય છે.
“સૈફ” એને શું તમારી મહોબ્બતની કંઈ શરમ
બેસો-ને ઇંતેજાર કરો – રાત જાય છે.
સૈફ પાલનપુરી