રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે
રે મન, ચાલ મહોબ્બત કરીએ
રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઈએ,
કોઈની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ,
પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ
દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે,
છલકછલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે,
જીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ
~ હરીન્દ્ર દવે