ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી,
એને ઝંઝાવાત બનવાની ઉમર કાચી પડી.
ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા,
રણ વિષેની ધારણા હમેશ ક્યાં સાચી પડી?
જિન્દગી! સીધા ચઢાણ તારી સાથે હું રહ્યો,
મારે સાથે તું ઊતરતા ઢાળમાં થાકી પડી.
સાવ ઓચિંતુ સભા છોડી કોઈ ચાલ્યું ગયું,
કોઈ ના પૂરી શકે, એવી જગા ખાલી પડી.
છેવટે એક ચપટી અજવાળુંય ના પામી શક્યો,
ક્યાંકથી આવીને દીવાને હવા બાઝી પડી
ખલીલ ધનતેજવી