આમ પણ થાય ને એમ પણ થાય છે,
જિંદગી જો ને, ક્યાંથી ક્યાં લઈ જાય છે!
આપણું આપણાંમાં ન હોવું હવે,
આમ જુઓ તો ચોખ્ખું જ વરતાય છે.
ખાલીપાએ ખભે હાથ મૂકી કહ્યું,
જો, હું છું ને! પછી શાને મૂંજાય છે?
કોઈને જીતવાની અધીરાઈમાં,
જાતને સાવ હારીને બેસાય છે.
સાચવી રાખવાનું ગુમાવી દીધું!
આખરે ખૂબ મોડેથી સમજાય છે.
તું કહે છે કે શ્વાસો ઘણા છે અને,
હું કહેતો રહું છું, સરી જાય છે.
કોઈ પીડા નકામી તો હોતી નથી,
આંસુ આવ્યે કવિતાઓ સર્જાય છે.
હિમલ પંડ્યા