જેવા છો એવા દેખાશો
ચ્હેરા બદલી ક્યાં સંતાશો?
પરદો ઊઠે ને ભજવાશો
પરદો પડશે, પાછા જાશો.
ઊલટથી જો આવ્યું છે તો
ગીત કહો ને! ક્યારે ગાશો?
જૂઠ્ઠાના સઘળા સંગાથી
સાચું કહેશો તો દંડાશો.
જીવતરના અંધારે જીવણ!
ક્યાં લગ આમ જ ગોથાં ખાશો?
સૂરજ થાવું અઘરું છે તો
દીવો થઈને સ્હેજ પ્રકાશો.
~ હિમલ પંડ્યા