ના, હજુ એને ન શોધો મોર્ગમાં,
લાગણી એડમિટ થઈ છે વોર્ડમાં;
જિંદગી છે ડીશ જો, નૂડલ્સની,
આવતી ના સ્પૂનમાં કે ફોર્કમાં!
આંસુઓ ઓપ્શનમાં નીકળતા નથી,
આ બધું ક્યારે ભણાવ્યું કોર્સમાં?
રાખવાનો બસ, ભરોસો આપણે,
એક ઈશ્વર નામના મિ. લોર્ડમાં!
એક સપનું સ્ક્રીન ઉપર તરવરે,
કોઈ એવી કી મળે કી-બોર્ડમાં?
સાદ મારો એને સંભળાયો નહીં,
કૈંક તો લોચા છે વોકલ કોર્ડમાં;
શું કરો શ્રદ્ધા જ હાંફી જાય તો?
શ્વાસને તો દોડવું’તું ફોર્સમાં;
આંગળી ઝાલી લઈ જાશે મને,
કોઈ આવીને ઊભું છે પોર્ચમાં.
~ હિમલ પંડ્યા