શું નવો સંકલ્પ લઉં હું આવનારાં વર્ષમાં?
એટલું ચાહું – વીતે એ અન્યના ઉત્કર્ષમાં.
પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વકેરા પર્સમાં.
એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ-
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં.
છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં.
જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું!
એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં.
કૈંક તારું, કૈંક મારું, પણ બધું એનું જ છે,
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં.
— હિમલ પંડ્યા