હું જ્યોતિષશાસ્ત્રમાં માનું છું.
દીવાળીએ વિવિધ અખબારો સાથે આવતી વાર્ષિક ભવિષ્યની પૂર્તિ વાંચી જઉં.
થોડો સમય સાચવું પણ ખરો.
પણ વિસ્મરણનું વરદાન ઉપયોગી છે.
સમય જતાં યાદ નથી રહેતું એ ફળકથન
ને પૂર્તિ સાચવીને ક્યાં મુકી છે તે.
પણ તો શું થઇ ગયું ?
અઠવાડિક રાશિકથન પણ છે ને
દૈનિક રાશિફળ પણ છે જ ને ?
ઘેર બે ગુજરાતી ને બે અંગ્રેજી છાપા આવે છે
એટલે ચાર ભવિષ્યવાણી વાંચું.
વળી અઠવાડિક ભૂલાઇ જાય
પણ દૈનિક તો છે જ ને !
સવારમાં વાંચેલી ભવિષ્યવાણી
જો સારી હોય તો મન મલકે ને ભૂલાઇ જાય
પણ જો ચિંતા કરાવે તેવી હોય તો
દિવસની કોઇ ઘટના સાથે
એનો મેળ બેસાડી દે છે મન.
નક્કી કરું કે હવે એ કોલમ વાંચવી જ નથી.
થોડો સમય નિર્ણય ટકે પણ ખરો.
પણ વળી ઇચ્છા થાય એટલે નજર જાય.
કપરાકાળે સર્જેલી અનિશ્ચિતતાએ
તન કરતાંય વધુ નબળું પાડ્યું છે, મન.
ક્યારેક લાગે કે આ તો કાગનું બેસવું ને…
પણ ડાળ પડે ત્યાં સુધી ન ઊડતા કાગ જેવું છે
મન.
તુષાર શુક્લ