એની આંખોમાં હું સમાયો છું,
ત્યારથી ચોતરફ છવાયો છું!
આયનાનેય જાણ ક્યાં થઈ છે,
છેક ભીતરથી હું ઘવાયો છું!
નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું!
જે મળે તે બધા કહે છે મને,
તારા કરતાં તો હું સવાયો છું!
એના નામે જ હું વગોવાયો
જેના હોઠે સતત ગવાયો છું!
એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,
હું જ આ કબ્રમાં દટાયો છું!
મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,
એટલી નામના કમાયો છું!
– ખલીલ ધનતેજવી