ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.
સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
– કૃષ્ણ દવે