કરવા કવિતા, માંડી મેં કડી પ્રથમ જ્યાં,
શબ્દો આ માંડ્યા રમવા જોને થપ્પો ત્યાં.
શોધું એક ને બીજાને પકડીને બેસાડું જ્યાં,
ફૂટી આ માટલી ને સઘળા સંતાયા દૂર ત્યાં.
કહું છું છોડો થપ્પો, ફાગણ કરતો ટહુકો જો,
રમીએ હોળી સૌ જો બહાર નીકળો સાથે તો.
રંગીશ સહુને દોડી દોડી વિધવિધ રંગબેરંગી,
અબીલ ગુલાલ ને સાથે છે જો કેસૂડો કેસરી.
કલમ હાથમાંની કાંપી ત્યાંતો ને સંકેત કરતી,
માંહ્યલી શ્યાહી નીતરી ને સારતી આંસુ કહેતી.
ના ધકેલો આવરણ હૂંફાળું, ઠંડીમાં છું થીજી,
કાગળ મારો કાળજું, વાગશે મારી આ ધ્રૂજારી.
બાંધી મારા સ્મરણોની પોટલી ને મૂકી માથે,
ઓશીકાની એતો સારતી ગરજ હોંશે હોંશે.
ઓઢી મેં શમણાં ટાંકેલી રજાઈ ને હું પહોંચી,
શબ્દોની દુનિયામાં કવિતામાં રાચતી ને રચતી.
~ ડો. ગીતા પટેલ,