કાળભઠ્ઠ તડકો તપે ને
કાળીમસ્સ સડકો પર પીગળે ડામર,
સૂરજના આ કોપ સામે
આપણે થઈ ગયા સાવ પામર.
તોયે પ્રકૃતિ ખીલી છે
એ વિવિધરંગી સ્વરૂપ લઈ બેઠી,
ગુલમહોર છે લાલચટક
વનરાઈમાં એની શોભા મેં દીઠી.
શબ્દોના ખોળામાં ઊછળે
ઘૂઘવતો ને ઝૂમતો સાગર ,
સૂરજના આ કોપ સામે
આપણે થઈ ગયા સાવ પામર.
ગરમાળો પીળાચટક પુષ્પોથી
આપણી આંખોને એવી તે ખેંચે ,
લીમડો એ સફેદ ફૂલો વરસાવે
એના ગુણોને એ સૌમાં વહેંચે.
પાણિયારે મેલી છે પિત્તળની
ભરીને મીઠા તે જળની ગાગર
સૂરજના આ કોપ સામે
આપણે થઈ ગયા સૌ પામર.
પંખીઓ બેઠા છે માળામાં
ઊડતી પાંખોને સઁકોરી,
કાગડો કા-કા કરીને રાડો પાડે
કોયલની પકડાઈ ચોરી.
હલકારો ઊભો છે આંગણે
લઈ સાહ્યબાનો મીઠો કાગર,
સૂરજના આ કોપ સામે
આપણે થઈ ગયા સાવ પામર.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘