ક્યાં સુધી આ ક્રોધ ને તિરસ્કારના ભાવને હૈયે વીંઢારશું?
ચાલને હવે સૌ સાથે, સ્નેહભીની તકરાર કરવાની શરત લગાવીએ.
ક્યાં સુધી આ ટીકા ટીપ્પણી ને ખણખોદમાં સમય વિતાવશું?
ચાલને હવે સૌ સાથે, મસ્તીભરી વાતો કરવાની શરત લગાવીએ.
ક્યાં સુધી આ ચિંતા ને ચર્ચાના વમળોમાં આમ જ ફસાઈશું?
ચાલને હવે સૌ સાથે,સરળ ઝરણા’શા બનવાની શરત લગાવીએ.
ક્યાં સુધી આ ઈર્ષા ને દ્વૅષનો ભાર લઈને જિંદગીને થકવીશું?
ચાલને હવે સૌ, સાથે નિર્દોષ બાળક બનવાની શરત લગાવીએ.
ક્યાં સુધી આ કર્કશ વાણી ને કંકાસથી મનને કરીશું ઝેર’શું?
ચાલને હવે સૌ, સાથે પ્રેમવાણી બોલીને સંત બનવાની શરત લગાવીએ.
ક્યાં સુધી આ વાદ વિવાદને આપણી જિંદગી નો ભાગ બનાવશું?
ચાલને હવે સૌ સાથે સાધી સંવાદને ‘માનવ’ બનવાની શરત લગાવીએ.
~ ડો ગીતા પટેલ