ચાલ થઈ છે સવાર, નીકળીએ,
કૈં બીજું ના વિચાર, નીકળીએ.
આપણે તો જ પાર નીકળીએ,
જાતમાંથી જો બ્હાર નીકળીએ.
જીત સુધી જવાનું સહેલું છે,
જો પચાવીને હાર નીકળીએ.
સુખની સરહદ ભલે હો કાંટાળી,
કરીએ હિંમત, ધરાર નીકળીએ.
લ્યો મળ્યું છે જીવન મજાનું તો,
સ્હેજ મારી લટાર, નીકળીએ.
રોકડા શ્વાસ ચૂકવી દઈશું;
શાને રાખી ઉધાર નીકળીએ?
~ હિમલ પંડ્યા