જાતે જ જાતથી અગર અળગાં થઈ શકો;
જે કંઈ તમે છો એનાથી બમણાં થઈ શકો.
જો શક્ય હો તો જીવવું બસ બોજને તળે–
જીવી ગયાં તો મૈત્રીનાં સપનાં થઈ શકો.
ભણતાં રહેલાં હોવ જો ચાહતના મંત્રને–
ચાહતના તાણા- વાણાના દોરા થઈ શકો.
આ શ્વાસ શું છે ચીજ એ જાણી ગયા પછી–
પ્રત્યેક પળની માળાના મણકા થઈ શકો.
વરદાન આંખને મળે આંસુંનાં ધામનું;
વરસ્યે જતી યદાતદા ઘટના થઈ શકો !
- ગુણવંત ઉપાધ્યાય