મૃગજળમાં તરતાં શીખવું પડશે
જીવવું છે? મરતાં શીખવું પડશે
હવે સત્યનો માપદંડ છે સફળતા
નિષ્ફળોથી પલટતાં શીખવું પડશે
કળિયુગે બદલાઈ છે વ્યાખ્યા સૌ
જીતવું છે? હારતાં શીખવું પડશે
નહીં તો એ બદલી દેશે ખોટું બધુંય
પારસમણિને નડતાં શીખવું પડશે
ગુસ્સો,પીડા ઉતારવા કોઈ જોઈશે
રોજ બચ્ચાંને વઢતાં શીખવું પડશે
નાદારી,ચમચાગીરીનો સમય છે આ
વફાદારીને ભૂલતાં શીખવું પડશે
અવાજને એનાં લગાવો સાઇલેન્સર
આત્માને મારતાં શીખવું પડશે
ટોચ પર હોય જગ્યા ફક્ત એક જ
હરીફો,નિયમોને છેતરતાં શીખવું પડશે
સામ,દામ,દંડ,ભેદ એ જ જીતમંત્ર
મૂલ્યોને વિસરતાં શીખવું પડશે
– મિત્તલ ખેતાણી