અયોધ્યાના રાજા દશરથ સંતાન ના હોવાને કારણે વિલાપ કરે છે ત્યારે મહર્ષિ વશિષ્ઠ રાજા દશરથને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાની સલાહ આપે છે.આ યજ્ઞ ના ફળસ્વરૂપ દશરથ રાજાને ૪ પુત્રો પ્રાપ્ત થાય છે. આ કથાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે.
દુહા
રઘુકુળ કીર્તિ અનંત છે, ચાર કોર વખણાય;
અવધ નગર શાસન કરે , રાજા દશરથ રાય.
પહેલી પત્ની કૌશલ્યા, બાદ કૈકયી હોય;
ત્રીજી સુમિત્રા એમ ત્રણ , એક પુત્ર નથી તોય.
પુત્ર માટે વિલાપ કરી , દશરથ હૃદય દુભાય;
વધારે કોણ વંશ આ, મનમાં ચિંતા થાય.
ગુરૂ ને વિનંતી કરે, વશિષ્ઠ કહો ઉપાય;
બચાવો સૂર્ય વંશને, આપને લાગુ પાય.
વશિષ્ઠ વિનતી સાંભળે ,કહ્યું માર્ગ છે એક;
પુત્ર કામેષ્ટિ હવન કરો, ઉપાય આ અતિ નેક.
દશરથ વશિષ્ઠ ને કહે, આપથી યજ્ઞ કરાય;
વશિષ્ઠ એની ના કહે, રાજન એવુ ન થાય.
દશરથ તો મુંજાય છે, ગુરૂથી યજ્ઞ ન થાય;
તો પછી દશરથ હવે, કોની શરણે જાય.
ને ગુરૂ વશિષ્ઠે કહ્યું ,આનો એકજ તોડ.
ઋષિ શૃંગ આ યજ્ઞ કરે, ત્યાં જઈ હાથ જોડ.
પહોંચ્યા શૃંગ આશ્રમે, દશરથ જાણે દીન;
કહ્યું પ્રભુ આપ યજ્ઞ કરો, બધુ છે તમ આધીન.
વિવેકથી પ્રસન્ન થયા, આવ્યા દશરથ દ્વાર;
મુનિએ આવી યજ્ઞ કર્યો, એનો થ્યો સ્વીકાર.
પુત્ર કામેષ્ટિ સફળ થયો, પામ્યા આશિષ રૂપ;
ખીર નું પાત્ર નીકળ્યું, યજ્ઞે થી ફળ સ્વરૂપ,
દશરથ એ આ ખીરને ,વહેંચી ત્રણ ભાગ;
રાણીને આપી કહ્યું, પ્રાપ્ત કરો સૌભાગ.
એ દિન નવમી ચૈત્રની, સ્વપ્નો થયા સાકાર,
રાજા દશરથ ને ધરે ,જનમ્યા ચાર કુમાર.
કૌશલ્યા કુખે રામજી, ભરત કૈકયી માત;
લક્ષ્મણ શત્રુઘ્ન સુમિત્રાને, આમ ચારેય ભ્રાત.
પુત્ર કામના પૂરી થતાં ,દશરથ અતિ હરખાય;
જૂલતા ચાર પારણા, દિલે ન હરખ સમાય.
અયોધ્યા પુષ્પોથી સજી, ઉજવે સૌ આનંદ;
આવ્યા નવ અવસર લઈ ,ચારો દશરથ નંદ.
ખંડ ૨ સમાપ્ત….
જય શ્રી રામ