બોલે છે લોક બહુ બધું બીજાના ઘર વિશે,
મોઢું ન ખોલે પણ કદી પોતાના ઘર વિશે.
જેના નસીબામાં નથી દીવાલ – છાપરું,
એને ભલા, ન પૂછીએ સપનાના ઘર વિશે.
એ પણ બને કે દૂરથી લાગે લઘરવઘર,
નીકળે એ જાણતા ઘણું મોકાનાં ઘર વિશે.
કૈં ના સૂઝે તો કાઢવી વાતો નગર વિશે,
શેખી શું ખોટી મારવી ભાડાના ઘર વિશે.
દર-દર ભટકવું આમ ના આપણને પરવડે,
રાધાને પૂછવું પડે ક્હાનાના ઘર વિશે.
કેવળ ભીનાશ હોય જ્યાં છલકાતા સ્નેહની,
અંતરને એવા ઓરતા રહેવાના ઘર વિશે.
– વિષ્ણુ પટેલ