પામવામાં શું હવે બાકી હતું?
જે મળ્યું તારા થકી કાફી હતું !
દિલમાં ઉતરી ગયું એ દર્દ થઈ;
ખ્વાબ મારી આંખનું બાગી હતું!
સુખનું સરનામું લઈ પ્હોચી ગયાં;
બારણું નો’તું અને ઘર ખાલી હતું!
ઝાંઝવાની જડ સુધી દોડ્યુ હતું;
કેટલું એ મૃગ હતભાગી હતું!
એટલે ચર્ચા કદી કરતો નથી;
પ્રેમમાં તો મૌન પણ કાફી હતું !
કૈંક આવેશો પછી જાણી શક્યો;
મૂળ કરુણાનું અસલ માફી હતું!
દુ:ખ મારા એટલે ભુલી ગયો;
અગન એની આંખમાં પાણી હતું !
-‘અગન’ રાજ્યગુરુ