ક્યાંક છૂપાવી પડેલી તો ક્યાંક ત્યજેલી મમતા છે,
એ રાજાઓ ને રંક બનાવતી દ્યુતક્રીડાની ક્ષમતા છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
ક્યાંક પટ્ટી આંખે ક્યાંક મોહમાં અંધ થયેલો તાત છે,
ક્યાંક નારીના ક્રોધની ને ક્યાંક અભિમાન ની વાત છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
ભાઈઓ વચ્ચેનું વેર ને અતૂટ મિત્રતાનું ઉદાહરણ છે,
સત્યની છે અવગણના ને પાખંડીઓ નું પારાયણ છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
છે વૃદ્ધત્વ ઈચ્છા મોતે ને આ યુવાનીને મોતની ઝપટ છે,
અર્ધસત્યનું છે કપટ અને ધર્માત્માઓ માટે ધર્મસંકટ છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
ક્યાંક બદલાની ભાવના ને ક્યાંક વચનોની મજબૂરી છે,
ક્યાંક માંગ્યા પર દાન છે ને ક્યાંક ઈચ્છાઓ અધૂરી છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
ક્યાંક શ્રાપની સીમાઓ ક્યાંક વરદાનો અભિશાપ છે,
કોઈના ઇશારે નમતો સૂર્ય ને કોઈના સતીત્વનો પ્રતાપ છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત….
જે નટખટ નટવરની ઘણીબધી લીલાઓનું પ્રમાણ છે,
છે જેમાં ગીતાસાર ને જેમાં દરેક સમસ્યાનું ભંગાણ છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
જીવનને જાણવા માટે જુદા જુદા વ્યક્તિઓનું પ્રદાન છે,
ફક્ત કથા નહીં આ ભારતને જ્ઞાન અને લહું નું દાન છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત….