ભાગ – ૧
શ્રી કૃષ્ણ ની લીલા ને ભગવદ્ ગીતા ની ગરિમા છે,
અસત્ય ની પરાજય ને અચલ સત્ય ની મહીમા છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
એક નારી પરના અપમાન ની તૂટી ગયેલી સીમા છે,
કોઈની આંખોમાં અહમ ને કોઈ આંખોમાં અશ્રુ ધીમાં છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
કોઈની સાથે થયેલ અન્યાય અને પુત્ર મોહ ની વાત છે,
કોઈની છે એ પ્રતિજ્ઞા તો કોઈની તરછોડાયેલી જાત છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
સંબધોમાં છે ઈર્ષા ને ઈશ્વર પર આંધળો વિશ્વાસ છે,
કોઈનું કપટથી મોત ને કોઈના મોતે રોકાયેલાં શ્વાસ છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
ક્યાંક શક્તિ અનંત તો ક્યાંક તૂટેલો આત્મવિશ્વાસ છે,
સત્ય છે લાગે ખોટું ને ક્યાંક કપટમાં સત્યનો આભાસ છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
ક્યાંક બાણના પ્રહારો ને ક્યાંક વિચારોનો સંગ્રામ છે,
ક્યાંક આશા જગતભરની, ક્યાંક બસ બે ચાર ગામ છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
ક્યાંક છે શિષ્યો વચ્ચે નો સંઘર્ષ અને ગુરુ નું માન છે,
ક્યાંક જુકેલા મસ્તક છે તો ક્યાંક તીરો નું સન્માન છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત…
જીવનને જાણવા માટે જુદા જુદા વ્યક્તિઓનું પ્રદાન છે,
ફક્ત કથા નહીં આ ભારતને જ્ઞાન અને લહું નું દાન છે,
ફક્ત યુદ્ધ નથી આ મહાભારત….
– ધ્રુવ પટેલ “અચલ”