ભમરાને ફરવાની લાલચ, રખડે દિન આખો એ;
સાંજ પડે પણ ઘેર ન હોય, ભટકભટક કરતો એ.
વનમાં એક તળાવ મજાનું, સુંદર કમળ ખીલ્યાં’તાં,
એક ફૂલે જઇ ભમરો બેઠો, મધ લાગ્યો ચૂસવા ત્યાં.
સાંજ પડી અંધારું જામ્યું, ભમરો ગુલ જમવામાં,
ધીમે ધીમે ફૂલ બિડાયું, લોભી કેદ પડ્યો ત્યાં.
પાંખ સમારી પગ ખંખેરી, કરી છેવટ તૈયારી,
ઊડતાં શિર ભટક્યું નવ સૂઝી બહાર જવાની બારી.
અકળાયો, ગભરાયો, લાગ્યો પોક મૂકીને રડવા,
કોણ બહાર સૂણે ઉજ્જડમાં, કે દોડે છોડાવવા.
છેવટ ધીર ધરીને બેઠો, “રાત પૂરી થઇ જાશે,
રવિ ઊગશે, ખીલશે, ફૂલ પાછું, મુજથી ઝટ નીકળાશે.”
એમ વિચાર કરે ભમરો ત્યાં, હાથીનું ઝુંડ આવ્યું,
કમળવેલ જડમૂળથી તોડી, આવ્યું તેવું ચાલ્યું.
– લોક સાહિત્ય