ભાખરી એટલે ભાવનાભર્યું માતાનું વ્હાલ…!!
સવાર પડેને માઁ મીઠડુ વ્હાલ વહેંચતી,
ભાખરીમાં જાણે માઁ પ્રેમ પીરસતી,
ઊઠીને રસોડામાં સૂર્યોદય કરતી,
લાઈટરની મદદથી આળસ સળગાવતી,
ભાખરીમાં જાણે માઁ પ્રેમ પીરસતી,
મુકે એ ચ્હા બહુ ચાહથી,ભૂકી,આદું,ખાંડ સાથે હેતને સરકાવતી,
લોટ લઇને કથરોટમાં મીઠું અને મોણ નાખતી,
પોચા હાથે પછી કેવો કઠણ લોટ એ બાંધતી,
ભાખરીમાં જાણે માઁ પ્રેમ પીરસતી
તાવડીને ચુલા પર ચડાવતી,
તેનાં પરની પોપડીની સાથે ઘરના કંકાશને ફૂંક મારી ઉડાડતી,
પાટલી અને વેલણથી ગોયણાને વણતી,
પછી તાવડીમાં ધીમે આંચે તપાવતી,
ભાખરીમાં જાણે માઁ વ્હાલ પીરસતી
ભાખરીની ભાત સાથે સ્નેહને ટાંકતી,
કડક છતાં પોચી કોણ જાણે ?
એ કેમ ભાખરી બનાવતી…!
અંતે
ઘી ની ભરી ચમચી દિવસ આખાની તાજગી ભાખરીમાં રેડતી,
થોડા ટોચા મારીને ભીતરે ઊર્જા ઠાલવતી,
સવાર પડેને માઁ પ્રેમ પીરસતી…!
~ હિરલ જગાડ
Exclusive on Kavijagat From the Book ” Avasar “