~ રપાંજલિ ~
ભીંત ખખડાવો તો?
તો?
આ તે કંઈ ર.પા.ની કવિતા છે તે,
કાંગરાય હોંકારો દેશે?
ને એય.. જો
કવિતામાં ભીંતો પાસેથી હોંકારા જોઈતા હોયને તો –
અમરેલીમાં જનમવું પડે, ને તેય ‘રમેશ’નામ ધરી..
આ નકરા ‘મેશ’ની આગળ ‘ર’ લગાવી દીધે કાંઈ નો થાય બાપ..
ઈ સારું તો-
પાંપણોમાં અદાલત ભરવી પડે,
ને વરસાદના ટીપાનેય છબીમાં મઢવું પડે..
કાગડો મરી જાય તિયારેય મૂછોને ખમ્મા કરીને કવિતા ટીપવી પડે લ્યો!
આટલું કર્યા પછીય
કવિતામાં કાંગરા હોંકારા દેશે ઈ ભરમમાં નો રે’તા બાપ..
કવિતા લખી લખીને
આંગળી એ…વી તો રાતીચટ્ટક થઈ જવી ખપે
કે પછી –
પાણી ઘોળોને તો એય કંકુ થઈ જાય!
હરિય પછી રાજી થઈને
સપનામાં આવે, બોલાવે, ઝુલાવે, ને વ્હાલીયે કરે..
ને આપણેય કેવા લાડ –
કે ગુમાનમાં રહીએ,
ને હરિ સંગ ના બોલીએને તોય
કવિતામાં ભીંત ખખડે ને કાંગરા હોંકારો દે!
તો અત્તારે?
અત્તારે શું વળી?
ખખડાવે રાખો ભીંતો -તમતમારે..
~~ રાજુલ ભાનુશાલી