આ વ્યથાઓ,આ ઘટનાઓ અમારી બહુ જ અંગત છે,
એ રસ્તા,એ ગલીઓથી હજી પણ કેમ નિસ્બત છે?
જીવનનાં આખરી ક્ષણની અમારી આ મહોબ્બત છે,
ચહેરા, લાગણીઓ સાથ નાખ્યા આગમાં ખત છે.
હું હમણાંથી સમજતો થ્યો છું ઝાકળ-પુષ્પનો સંબંધ,
થયું સાબિત, મને હમણાંથી કોઈ સ્ત્રીની સંગત છે.
અહીં જાહોજલાલીની અપેક્ષા કોણ બાંધે છે?
અમાારે જીવવા માટે ફકત શ્વાસો ગનીમત* છે.
કોઈ માટે હતાં અનમોલ એ પણ યાદ આવ્યું આજ,
કે કાગળમાં મળી આવેલ ફૂલોની આ કિંમત છે.
તમારાંથી હું જ્યાં છેલ્લી વખત મળ્યો હતો દિલથી,
મને એ સ્થાનથી આજેય પણ સાચી મહોબ્બત છે.
અમારાથી વધારે કોણ પથ્થર દિલ બને ‘અદ્ભુત’,
તને કોઈક બીજા સાથ જોવાનીય હિંમત છે.
– કિશોરસિંહ જાડેજા ‘અદ્ભુત’
નિસ્બત – નાતો,સંબંધ
ગનીમત – ઘણુંય,સંતોષ