મા મને ક્ક્કો શીખવાડ
મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ
મા પેલા ઝાડની ટોચ ઊપર બેઠેલા પંખીને કેમ કરી વાચવું?
પીંછા ને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હું સાચવું?
મા તુ ટહુકો કરે છે કે લાડ….મા મને ક્ક્કો શીખવાડ
મા પેલા તડકાનો રંગ કેમ પીળો ને છાંયડાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળી મારી ને ઇસુને કેમ જ્ડ્યો ખીલો
મા મારે ફૂલ થવાનું કે વાડ…મા મને ક્ક્કો શીખવાડ
મા અહીં દુનિયાનાં તીણા સવાલ મને કેટલીય વાર જાય વાગી
મા તારા ખોળામાં માથું મૂકી પછી આપું જવાબ જાય ભાંગી
મા તારા સ્પર્શે તો ત્રુણ થાય પહાડ… મા મને ક્ક્કો શીખવાડ
સૂરજને ચાંદાને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે
આવડુ મોટુ આકાશ કદી ઇશ્વરને લખતા કે વાંચતા આવડે
મા તુ અમને બંનેને શીખવાડ….મા મને ક્ક્કો શીખવાડ
મુકેશ જોષી