રાખ કાયમ હાંસિયામાં, ચાલશે.
નફરતો પણ વારસામાં ચાલશે.
ના ફળી ઇચ્છા કદી યે ગર્ભમાં,
નામ મારું વાંઝિયામાં ચાલશે
તૂટવું ખુદનું, હવે સહેવું નથી,
બિંબ તૂટ્યા આયનામાં ચાલશે.
હું પ્રભાતે શબ્દ ફુલ ચરણે ધરું,
પારિજાતો અર્ચનામાં ચાલશે ?
છેતરાતી આ ઊભી સામે તરસ
જળનું ટીપું ઝાંઝવામાં ચાલશે.
પાત્રતા મારી નથી બનવા ગઝલ,
ક્યાં મળું છું કાફિયામાં? ચાલશે.
વસ્ત્ર આખું તો મળે ક્યાંથી હવે !
થીંગડું છે આયખામાં, ચાલશે?
પૂર્ણિમા ભટ્ટ