મોસમ આવી છે લણવાની
નધણિયાતો મોલ ઊભો છે
લઈને દાતરડા વચનોના
સૌ દોડે છે
મોલ પોતાનો કરવા.
લહલહ લહેરાતો સોનેરી મોલ
ગમે તેને હાથે વઢાવા
ખડો છે તૈયાર.
સૌ કાઢે છે હડિયાપાટી
મોલ સગેવગે કરવા.
અમે તને સાચવશુ જીવની જેમ
અમે તમારા કરશુ મોંઘા મૂલ
અમે તને નહી સડવા દઈએ
અમે આપશુ રહેવાના ગોદામ
અમે કરીશુ ઉધઈ ઈયળથી રક્ષણ
નહીં ફરકવા દઈએ કોઈ પશુતા તમારી પાસે
અમે અમારા પ્રાણ પાથરી દેશુ તમ કાજે
બસ એકવાર ભરી દે મારા વ્હાલા મારૂં ખળું, ફળિ, ઘર.
પછી તું જો…
પાછી આવે એ મોસમ સુધી
તને ચખાડીશુ સ્વાદ.
તને નહીં આવે તારા અસ્તિત્વની કોઈ યાદ.
બસ એકવાર બસ એકવાર
આ દાતરડાને દઈ દે
દધિચિ સમ તારૂં હાડ.
અમે સૌ માનીશું તારો પાડ
બસ એકવાર તું
મને લડાવને લાડ
હે મારા ભોળુંડા મોલ
કરી દે તું મારા તોલ
તારા અગણિત માનીશ ઉપકાર
હે વ્હાલા કરી દે હવે તું ન્યાલ
તને આજીવન રાખીશ
હૈયાની પાસ.
– રસિક દવે.