શબ્દોની આ ગૂંથી વેણીને, હું કરતી પ્રયત્ન કેમ વ્યર્થ, દીકરીને મૂલવવાનો,
લખું ને પછી લૂછું ને પછી સમજાય કે કક્કો કહે છે હું યે અહીં કાચો જ પડવાનો.
એતો છે હેલી પ્રેમની, ભીંજવતી રહેતી ભીતરને નિઃસ્વાર્થ એના વ્હાલથી સદાય,
એને ના જોઈએ ચોમાસું, એક જ ટહુકે વરસી પડતી જાણે બારે મેઘ ખાંગા સદાય.
એતો ખરી જોને સંત, વગર કથાએ વાંચતી ને પામતી આખા ઘરની વ્યથા,
એને ના જોઈએ કોઈ થોથાં, એક જ નજરે કળતી સંસારની વ્યથા આ પૃથા.
એતો જો બોલે તો ઘર આખું રણકે ને અંતરે ગહેકે કેવાં મીઠા મધુરા મોરલા,
એને ના જોઈએ કોઈ કારણ, આ કોયલના ટહુકે તો મ્હોરી ઊઠતા આંબલા.
એતો જો ધરી લે મૌન, સમજો જાણે રુદયને ભીંસતો કાળમીંઢ પહાડ મોટો,
એને માટે જોઈએ કારણ ખાસ, નહીં તો એક જ શબ્દે રીઝી બનતી માનો જોટો.
આમ શબ્દોને જોડતી ને તોડતી ને ભાસતી ને
પછી કંઈ ગૂંચવાતી એવી અપાર હું,
એને ના જોઈએ બિરુદ કોઈ મોટું, ને હું માનતી મારા અસ્તિત્વનું કારણ જ ‘તું’.
ડૉ. ગીતા પટેલ