સવાર સવારમાં
સૂરજ ઉઠ્યો
ચાંદ પોઢયો
ઝાકળ લપસ્યું
કૂતરું ભસ્યું
ઘડો છલકયો
ચાડીયો હસ્યો
પાન ખર્યું
કૂકડો બોલ્યો
વડલો ડોલ્યો
કોયલ ટહુકી
ચકલી ચહકી
ભ્રમર ગણગણ
ખેતર સળવળ
પવન દોડ્યો
કમાડ ખુલ્યો
કૂંપળ ફૂટી
ઊંઘ તૂટી
સ્વપ્ન છૂટ્યું
.
સ્વપ્ન છૂટ્યું
સઘળું છૂટ્યું
એલાર્મ વાગ્યો
નિ:શ્વાસ નાખ્યો
શહેર જાગ્યું
જુઓ ભાગ્યું
બ્રશ લઈ ઘસ્યું
શાવર વરસ્યું
પેપર સરકયું
ગેસ સળગ્યો
દૂધ દજાયું
ઓ..મા બોલાયું
ફાઇલ ખોવાઈ
ઇન કરાયું
ટાઈ ટીંગાઈ
લૉક વસાયું
વેઇટ કરાયું
લિફ્ટ અટકાઈ
ઝડપ કરાઈ
ટ્રાફિક વધ્યો
તડકો ધગ્યો
બસ છૂટી ગઈ
ટ્રેન છૂટી ગઈ
હું ભાગ્યો
શ્વાસ હાંફયો
જરા થાક્યો
ઘડીક બેસ્યો
વિચાર આવ્યો
સ્મરણ આવ્યું
સુગંધ આવી
ને યાદ આવ્યું ગામ
મારું વ્હાલું ગામ.!
– દેવમ્ સંઘવી