બધાએ કહ્યું : ‘આ મનોરમ્ય સ્થળ છે !’
આ બાજુ તરસ છે આ બાજુએ જળ છે !
ચરણ મનને છે નહીં ને પંગુ નથી પણ
ભુજાઓ નથી કિન્તુ હસ્તિનું બળ છે
બધું યાદ કરવું કઠણ હોય ત્યારે
બધું ભૂલવું એટલું ક્યાં સરળ છે ?
સરોવર સમી આંખમાં છે ઉદાસી
ને સ્મરણોય એમાં ખીલેલાં કમળ છે!
તમારો અનુભવ અલગ પણ હશે કંઈ
મને લાગ્યું : આકાશ આખ્ખુંય છળ છે!
હથેળીમાં ઝળઝળિયાં ટપકી પડ્યાં છે
તો પંડિત વદ્યા કે, આ ઈચ્છાનું ફળ છે
એ નજદીક છે એક હલેસાં સુધી
તસુભાર એનાથી આઘે વમળ છે !
– ભરત ભટ્ટ