જુએ જળનું સપનું તો આંખો જળાશય બની જાય એવા ય દિવસો હતા
ને વરસાદનું ચિત્ર જોતાં જ નખશિખ પલળાય એવા ય દિવસે હતા
જળાશયની વાત જ શું કરવી, જ્યાં આજે ઊકલતું નથી એક જળનું ટીપું
કશું કોઈ બોલે નહીં ને સમુદ્રો ય સમજાય એવા ય દિવસો હતા
હું આખા દિવસનું જો સરવૈયુ કાઢું તો ખૂટે છે એમાં સૂરજ સેંકડો
કદી એક ચાંદરણું ગણાતાં, સદીઓ ઉકેલાય એવા ય દિવસો હતા
અમે ખુદ અમારાથી રિંસાવાના પર્વો ઊજવતા હતા!
અને ટપ દઈ માની જાતા તો ટપને ય ઊજવાય એવા ય દિવસો હતા
ગઝલમાં અછાંદસની જેવું કહી ગીત જેવો ઘટાટોપ રચવો પડ્યો
મને શું થતું એ તને કાનમાં કહું તો કહેવાય, એવા ય દિવસો હતા
~ રમેશ પારેખ