આવી આવી વગડા વીંધી વેલ્ય જો !
ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા;
આજ ફળી અંતરની એકલ આશ જો,
મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં.
મેં જાણ્યું જે ભૂલી મુજને માત જો,
બાપુને અંતરથી છૂટી બેટડી;
ભાભલડીના ઉરનો ભાળી ભાવ જો,
બંધવડે વિસારી એની બહેનડી.
શેરડીએ વીરાનો શીળો સાદ જો,
શીળા એને ઉર શોભે સંદેશડાં.
મીઠાં મીઠાં મહીયર કેરાં માન જો,
મહિયરનાં મારગડાં મનને મીઠડાં.
સાસુજી આપોને અમને શીખ જો,
ભાવભર્યા એ ભાંડરડાંને ભેટવાં.
જોશું જોશું વહાલેરી વનવાટ જો,
જોશું રે મહિયરનાં જૂનાં ઝાડવાં.
જોશું જોશું દાદાનો દરબાર જો,
કાળજડે રમતાં એ ગઢનાં કાંગરા.
મીઠો વરસે માવલડીનો મેહ જો,
નહાશું એના ઝરમર ઝરતાં નીરમાં.
સામો મળશે સાહેલીનો સાથ જો,
આંખલડીના આંસુ આદર આપતાં.
વાતલડીનો વધતો વેગ વિશાળ જો;
મીઠાં કૈક મનોરથ મનમાં મ્હાલતાં.
વસમી લાગે ભવની લાંબી વાટ જો,
મહીયરને મારગડે શીળી છાંયડી;
પળપળ પીવાં કૈંક જગતનાં ઝેર જો;
માડીનાં કરમાંય સજીવન સોગઠી.
– દામોદર ખુશાલદાસ બોટાદકર