હૈયાનો કોઈ ખૂણો પીડાય તને તો લખજે, બાકી લખવાનું રે’વા દેજે.
બીજાનું દુઃખ સાચે જો સમજાય તને તો લખજે,બાકી લખવાનું રે’વા દેજે.
લખવા તો આમેય લખાયું, તેમેય લખાયું ને મન ફાવે એમેય લખાયું છે.
પણ તું લખવા ધારે એ જ લખાય તને તો લખજે,બાકી લખવાનું રે’વા દેજે.
અંધારી આલમમાં સળગી છે ચારેય તરફ ભૂખ અને સળગ્યો છે ચીસોનો દવ
જો એની સાથે રગરગ સળગાય તને તો લખજે,બાકી લખવાનું રે’વા દેજે.
ખીલે છે, ફૂટે છે, આમ જુઓ તો એને ખરવાનું એ વાત જગતની નક્કી. પણ,
કૂંપળની જેમ નવું જો ફૂટાય તને તો લખજે, બાકી લખવાનું રે’વા દેજે.
અજવાળાની વાત કરીને અંધારાને રોકાઇ જવા જે માથાકૂટ કરે છે
એ અંધારું આંખોમાં અંજાય તને તો લખજે,બાકી લખવાનું રે’વા દેજે.
~ પ્રવીણ ખાંટ ‘પ્રસૂનરઘુવીર’