ભૂખ્યો થયો તો આ રીતે કંસાર ખાધો છે
એની ગલીથી નીકળીને માર ખાધો છે
તેં આવવા કીધું હતું પણ તું મળે છે ક્યાં?
ધક્કો મેં તારી ચોખટે બહુ વાર ખાધો છે.
આખું ને આખું સાંજના પાછું ફર્યું ટિફિન,
આજે ફરી એ માણસે વેપાર ખાધો છે.
મારા હરીફે આમ તો બીજું કર્યું છે શું ?
મારી તરફ જોયા કરીને ખાર ખાધો છે.
આવી ગયેલી ફેક્ટરીને ચાલ પૂછીએ
ગોચરનો એણે કેટલો વિસ્તાર ખાધો છે?
ભાવિન ગોપાણી