એક ચકલી અહીંથી ઊડી જાય નહીં,
એટલે કંઈ પીંજરે પૂરાય નહીં !
એટલાં ચૂંબન કરે, ચૂંબન કરે,
એ ક્ષણે કંઈ એ બહુ શરમાય નહીં !
આખરે એથી વધું શું જોઈએ,
હોય એવી હોય છે, બદલાય નહીં !
એણે ઉત્તર આપી દીધાં હોય છે,
મૌનમાં, એથી કશું પૂછાય નહીં !
છે સમંદર, ડૂબીએ, ડૂબાડવા,
એ કિનારા તોડીને છલકાય નહીં !
છેક ભીતરમાં લખેલું નામ છે,
કોઈ બીજાથી કદી વંચાય નહીં !
– ભરત વિંઝુડા