ઘણીવાર એવું બને છે ફકીરા,
મને આરસી પણ છળે છે ફકીરા !
કદી શીત છાંયો, કદી ધોમ તડકો,
ઘણા વેશ તું પણ ધરે છે ફકીરા !
નહીં ચાતરે પંથ જળની તરંગો,
સદા પાઠ સાચો ભણે છે ફકીરા !
મળી જાય પીવા ફકીરોની તૃષા,
પછી રંગ પાકો ચડે છે ફકીરા !
સમય પી ગયો લીલી જાહોજલાલી,
બધા ઝાડ મનમાં રડે છે ફકીરા !
ઝગારો થયો છે ફરી પથ્થરોમાં,
હજી કોઈ આડો ફરે છે ફકીરા !
ગઝલ છેક ઊંચા ગગનથી પધારી,
બધા સૂફી, સંતો કહે છે ફકીરા !
લખો નામ અંજુમ એનું અદબથી,
હવા પર હકુમત કરે છે ફકીરા !
-અંજુમ ઉઝયાન્વી(