ઘણાં લોકોને દુનિયામાં બહુ તકલીફ પહોંચી છે,
મને તો મારા હોવામાં બહુ તકલીફ પહોંચી છે.
સરળ છે આમ તો કિંતુ કોઈ ક્યાં ચાલવા દે છે ?
મને તો મારા રસ્તામાં બહુ તકલીફ પહોંચી છે.
બુરા મારે નથી બનવું પરંતુ એટલું કહી દઉં,
જગતમાં સારા બનવામાં બહુ તકલીફ પહોંચી છે.
હું જાણી લઉં જરા ઓ નાસ્તિક તારી યે તકલીફો,
મને પણ મારી શ્રદ્ધામાં બહુ તકલીફ પહોંચી છે.
જીવનમાં અન્ય સંઘર્ષોની મેં પરવા નથી કીધી,
હૃદય સાથે ઝઘડવામાં બહુ તકલીફ પહોંચી છે.
તમે દીધું મને રાહતનું ખોટું એક સરનામું,
ને એની શોધ કરવામાં બહુ તકલીફ પહોંચી છે.
હતું થોડા સમયનું પણ અસર એની હતી ઘેરી,
મને ઓ ‘રાઝ’ સપનામાં બહુ તકલીફ પહોંચી છે.
– ‘રાઝ’ નવસારવી