અહીં પર્ણ પીળું પડતું તારીખ-વાર નામે;
નથી વૃક્ષ પણ તડપતું તારીખ-વાર નામે !
ન તો આ સમય સમજતો વાચાવિહીન ક્ષણને–
નથી કોઈપણ ઝઘડતું તારીખ-વાર નામે !
તમે આમ પણ બદલતાં બદલી ગયું છે સઘળું–
અને મન રહ્યું કકળતું તારીખ-વાર નામે !
કદી સ્વપ્ન જેવું લાગ્યું તો જાતને ખણીને–
મળ્યાં આંસુને અમસ્તું તારીખ- વાર નામે !
નથી આમ પણ કશું યે ને તેમ પણ કશું યે–
છે ન કોઈપણ નીરખતું તારીખ-વાર નામે !
~ ગુણવંત ઉપાધ્યાય