Hello અમદાવાદ,
આપણી દોસ્તી કૈં આજકાલની છે ?
વરસોથી તું મને ને હું તને ઓળખીએ છીએ.
નદીની રેતમાં રમ્યા છીએ સાથે.
હું કદીક હું ન રહું
ને બની જાઉં હિંસક ટોળું
હાથમાં લઉં પથ્થર ,
સળગાવું કાકડા
ને ફેંકું મન ફાવે તેમ
ને ઘવાય તું
ગૂંગળાય તું
ફૂટે કાચ
ને ઉઝરડાય તું
લોહીલુહાણ થાય તું ,
તો પણ
એ કૈં લાંબું ન ચાલે
કારણકે
તું અમદાવાદ
ને હું અમદાવાદી
તું મારી
ને હું તારી ઓળખાણ છીએ.
પણ દોસ્ત,
ગઇકાલે
વળી એકવાર
થઇ ગઇ છે બહુ મોટી ભૂલ
કબૂલ.
કોણ સાચું, શું સાચું
એની તો નથી પાકી ખબર
પણ,
ઉપાડ્યા ને ફેંક્યા પથ્થર
લગાવી આગ
ને ભાગી છૂટ્યો ટોળું બની ગયેલો હું.
સાંજે
પરિવાર બેઠો હતો ઘરમાં ભરાઇને
સંભળાતી હતા સાઇરન
પોલીસવાનની
ટીવી પર ચાલતા હતા સમાચાર
એમાં દેખાતા હતા એ દ્રશ્ય
પથ્થરબાજીના,
એવામાં ઓચિંતા જ
ગભરાઇને
નાની દીકરીએ હાથ પકડીને પૂછ્યું ,
ડેડી, આ પોલીસ અંકલને બધા મારે છે
જૂઓ..જૂઓ.. એમને લોહી નીકળે છે !
ને પછી પૂછ્યું
એના ડેડી પર બધા પથ્થર ફેંકે છે તે
એમની ડોટર પણ જોતી હશે ને ?
એનો એ એક સવાલ
અને
ટોળું મટીને હું બની ગયો પાછો હું .
દીકરીને પડખામાં લઇ લઉં છું.
Thank god
એણે હજી એ ટોળું બની ગયેલા હુંને
ટીવી પર દેખાતા દ્રશ્યમાં ઓળખ્યો નથી.
ને હું પણ ક્યાં ઓળખી શક્યો હુંને
એ ટોળું બની જતા ?
દીકરીની આંખમાં રહેલો ભય
મને સૂવા નથી દેતો.
એને તો હું કૈં નથી કહી શક્યો
પણ તને કહું છું ,
I am sorry , Amadavad ?
– તુષાર શુક્લ