કોઈ કંઈ કરતું નથી એવું નથી
કોઈ કંઈ કરતું નથી એવું નથી;
જે કર્યું, ક્હેવું પડે તેવું નથી.
જે દિશાઓ ચારે ખુલ્લી જોઈ લે,
એમને આગળ કશું ક્હેવું નથી.
એકલાં પણ કંઈ પ્રવાસો થઈ શકે–
કોઈથી જેને કશું લેવું નથી.
તું અષાઢે ક્યાંથી ભીનો થઈ શકે?
તારી પાકી છત ઉપર નેવું નથી.
ચાર દીવાલો ય ભેદીને જુઓ–
જ્યાં કશી યે સરહદો જેવું નથી.
-ગુણવંત ઉપાધ્યાય