રાખે છે પ્રશ્નોનો હુન્નર
કોણ પ્રણયમાં દે છે ઉત્તર !?
પ્રેમ અરથ પૂછી જો એને,
ફુલ ઊગે તોડીને પથ્થર
સહેલું ક્યાં છે ‘ રાધા’ લખવું
પાડ પ્રણય પોથીમાં અક્ષર
શક્ય થશે સેતૂ ફૂલોથી ,
રહેવા દે ઈંટોનું ચણતર,
સંબંધો સાંધી શ્રધ્ધાથી
સાબિત કર પથ્થરને ઇશ્વર
હર મોસમને પૂનમ કરવાં
ઘૂંઘટ પાછળ તું દીવો ધર
જીવનની ઓગળતી સંધ્યા,
ઝંખે થોડી ચાહત ઝરમર
પૂર્ણિમા ભટ્ટ