જળ દરિયાના ય ખારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે.
રોજ રાત્રે હું સહજ ચણ્યા કરું,
સ્વપ્નના ઊંચા મિનારા હોય છે.
ક્યાંક તો કરતાલ ઝીણી વાગતી,
ક્યાંક શિખરના ધખારા હોય છે.
હોય ઘટના સાવ જુદી દર વખત,
આંસુ કેવા એકધારા હોય છે.
દસ દિશાઓ હોય ડૂબેલી છતાં,
ક્ષિતિજે જઇ ઊગનારા હોય છે.
ને અચાનક શ્વાસ ફળિયું રુંધતો,
અંતના મોઘમ ઇશારા હોય છે.
શક્ય છે ઊભા ચણી દઉ એ બધા,
કોઇ સંબંધો અકારા હોય છે.
✍?ભાર્ગવી પંડ્યા