સાંજ જયારે સાંજ સ્થાપી જાય છે,
કોઈ ત્યારે યાદ આવી જાય છે.
રાત ઢળતા એક પડછાયો મળે-
ને પછી ચોમેર વ્યાપી જાય છે.
છૂંદણાંમાં કોણ પીડા આપતું ?
એ વિચારે દર્દ ભાગી જાય છે.
છાંટણા વરસાદના સ્પર્શી જતાં,
રોમે રોમ ધરતી ના જાગી જાય છે.
હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઈ આવી રોજ તાપી જાય છે.
રોજ હું વાવી રહી સંબંધ ને-
રોજ આવી કોણ કાપી જાય છે?
-પુષ્પા મહેતા (પારેખ)