કેટલાં સંધાન જડતાં જાય છે,
યાદના પાનાં ઉઘડતા જાય છે,
એષણાની ચોકલેટું ખાઈને,
જિંદગીના દાંત સડતા જાય છે.
ઝાડનું ખીસ્સું થયું ખાલી,- હવે
છાંયડાના ભાવ ચડતાં જાય છે.
જિંદગી ની ટ્રેન ક્યાં સુધી જશે?
શ્વાસના ડબ્બા જ ખડતા જાય છે.
રોજ તારી જેમ તારાં સ્વપ્ન પણ,
આંખ સામેથી અછડતાં જાય છે.
કોણ સ્પર્શ્યુ રામના પગલાં સમું?
જાતની સઘળી ય જડતા જાય છે.
–’ હર્ષા દવે