કેટલાં ઘર-ગામ-ફળિયાંને રડાવી જાય છે,
દેશ મૂકીને કોઈ પરદેશ ચાલી જાય છે.
લોહીના સંબંધ, કોમળ કાળજાં સ્નેહીતણાં,
લાગણીના તાર પળમાં કોઈ કાપી જાય છે.
કમનસીબી કેટલી કે ઘેલછામાં અંધ થઇ,
પામવા માટી, ખજાનાને ફગાવી જાય છે.
ઝૂલતો હીંચકો, ટકોરા બારણે ઘડિયાળનાં,
એક સન્નાટો ફકત ઘરમાં સજાવી જાય છે.
માવઠું થઈને પછી વરસ્યા કરે છે આંખડી,
રેશમી સપનાં બધા એમાં વહાવી જાય છે.
વૃદ્ધ આંખોમાં રઝળતી આગમનની આશ, કે
શ્વાસ ખુટે તે પહેલાં કોઈ આવી જાય છે ?
માતૃભૂમિ ત્યાગની ‘ચાતક’ સજા છે આકરી,
કોઇ આવી દંડની મ્હોલત વધારી જાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’