માનવનો દેહ લઈને, માનવ બની શક્યો કે?
સૌને પૂછે ભલે તું, ખુદને પૂછી શક્યો કે?
તારી જ આજુબાજુ, લાખ્ખો રડી રહ્યાં છે,
ક્યારેય ઊનાં આંસુ, જઈને લૂછી શક્યો કે?
તેં સંકુચિત બનીને, દોર્યાં બધે કુંડાળાં,
માનવ્યની રંગોળી ક્યાંયે પૂરી શક્યો કે?
તેં ચંદ્રની ઉપર પણ, બે-ચાર પ્લોટ લીધા,
કિંતુ, પાડોશમાં તું, મનથી મળી શક્યો કે?
બે હાથ મેળવીને, કરતબ કર્યાં શું? કહેજે!
સુગરીના માળા જેવું, તું ઘર ચણી શક્યો કે?
ને તોય, હોય ફાંકો, – તો, પ્રશ્ન એક સાંભળ –
તું જન્મતાની સાથે, જળમાં તરી શક્યો કે?
શ્રેષ્ઠત્વ તારું કેવળ – મન-બુદ્ધિને લીધે છે,
‘ધીરજ!’ દીધાં એ જેણે, એને સ્મરી શક્યો કે?
~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા