જે વિખૂટાં થયા તેમને મળી લેજો, બહું મોડું નથી થયું હજી,
સંગાથે બેસી હસી અને રડી લેજો, બહું મોડું નથી થયું હજી.
ચાર દિવસની જીંદગી ને શું લડવું, ઝઘડવું વ્યર્થ કારણોથી,
જે રિસાયાં છે તેમને મનાવી લેજો, બહું મોડું નથી થયું હજી.
કંઇક કેટલાયના હૈયાં દુખાવ્યા હશે, જાણ્યે-અજાણ્યે તમેય,
વેળાસર જઈને માફી માંગી લેજો, બહું મોડું નથી થયું હજી.
હશે મનમાં પ્રેમ અપાર કોઈના માટે, પણ ડરતા હશો કોઈ,
તેની સામે જઈ સ્વીકાર કરી લેજો, બહું મોડું નથી થયું હજી.
કોઈ આતુરતાથી રાહ જુએ છે તમારી નેણ બિછાવી ‘અખ્તર’
આપ્યાં છે જે વચન, નિભાવી લેજો, બહું મોડું નથી થયું હજી..
~ અખ્તર