મેં ભલે માન્યું કે એ લંબાઈ ગઈ,
જિંદગી તો આખરે ખર્ચાઈ ગઈ.
મારો દીવો આટલો સુંદર હશે?
કે હવા એનાથી આકર્ષાઈ ગઈ!!
કેદ જ્યાં મેં બાથમાં એને કરી,
બાગની ખુશ્બુ બધી પકડાઈ ગઈ.
ને રમકડાનાં બધા ભંગાર સાથ,
બાળપણની યાદ પણ વેંચાઈ ગઈ.
જેણે ટીંગાટોળી શૈશવમાં કરી,
એ વડીલની એક છબી ટીંગાઈ ગઈ.
રવિ દવે ‘પ્રત્યક્ષ’