બે ઘડી રોકાઈ જાવાનું હતું,
ગીત આખું ગાઈ જાવાનું હતું;
કાં બની અત્તર મહેંકવાનું હતું,
કાં પછી કરમાઈ જાવાનું હતું;
જીંદગી ઉર્ફે જ પેચીદી રમત!
સ્હેજ તો ગૂંચવાઈ જાવાનું હતું;
નીકળ્યા’તા ત્યારથી નક્કી હતું,
ક્યાંક તો ફંટાઈ જાવાનું હતું!
બસ, અઢી અક્ષરની માફક ઉપસી,
છેવટે ભૂંસાઈ જાવાનું હતું;
~ હિમલ પંડ્યા